નવી દિલ્હી – ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકરને તેના શિસ્તબદ્ધ જીવન તેમજ ક્રિકેટ પ્રત્યેની નિષ્ઠા બદલ ખૂબ વખાણ્યો છે, પણ એવી ધારણા વ્યક્ત કરી છે કે આ મહાન બેટ્સમેનના રેકોર્ડ એક દિવસ તૂટી જશે.
અહીં આકાશ ઈન્સ્ટિટ્યૂટ કાર્યક્રમના સંબંધમાં આવેલા કપિલે કહ્યું કે, જ્યારે હું રમતો હતો ત્યારે અમે એવું વિચારતા હતા કે સુનીલ ગાવસકર કરતા મહાન બેટ્સમેન કોઈ પાકશે ખરો? ગાવસકર કરતા મહાન બેટ્સમેનો પાક્યા છે, કારણ કે કોઈ પણ ખેલાડી કરતા ક્રિકેટ ગેમ વધારે મહાન છે. સચીન તેની સમગ્ર કારકિર્દીમાં પ્રશંસનીય રીતે રમ્યો છે અને અઢળક વિક્રમો સર્જ્યા છે, પણ વિક્રમો તો ક્યારેક તૂટવા માટે જ રચાય છે, કારણ કે આ તો ક્રિકેટ છે. મારી ક્રિકેટ કારકિર્દીના અંત દરમિયાન બે યુવા ટેલેન્ટેડ ખેલાડીઓ ચર્ચામાં હતા, સચીન તેંડુલકર અને વિનોદ કાંબલી. એ બંને જણ ઘણા જ ટેલેન્ટેડ હતા, પણ તમે જુઓ કે સચીન કેટલો આગળ નીકળી ગયો છે. કાંબલી આગળ વધી શક્યો નહીં, કારણ કે એનામાં શિસ્તનો અભાવ હતો. કોઈ પણ વ્યક્તિને ત્રણ બાબત સફળતા અપાવે – નિષ્ઠા, શિસ્ત અને આત્મવિશ્વાસ, એમ કપિલે કહ્યું.
સચીનના નામે અનેક રેકોર્ડ છે. ખાસ ઉલ્લેખ તેની મહાસદીનો કરવો પડે. તેણે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ, બંનેમાં મળીને ૧૦૦ સદીઓ ફટકારી છે.
No comments:
Post a Comment