ક્રિકેટમાં ઘણી વખત એવા પરિણામો આવતા હોય છે જેની કલ્પના પણ નથી હોતી. ક્યારેક કોઈ ટીમ જંગી સ્કોર બનાવીને રેકોર્ડ્સની હારમાળા સર્જી દે છે તો ક્યારેક એકાએક લથડીને હારનો રેકોર્ડ બનાવી દે છે. પરંતુ વિશ્વના સૌથી નાનો સ્કોર નાવીને જો કોઈ ટીમ 155 રને જીતી જાય તો તેને ચમત્કાર જ કહેવાશે. વર્ષ 1922માં ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં પણ કંઈક આવી જ અનોખી મેચ રમાઈ હતી.
બર્મિંગમના એજબેસ્ટન સ્ટેડિયમમાં 14થી 16 જૂન વચ્ચે રમાયેલી ત્રણ દિવસીય મેચમાં વાર્વિકશાયર અને હેમ્પશાયરની ટીમો આમને સામને હતી. હેમ્પશાયરના સુકાની ટેનિસને ટોસ જીતીને વાર્વિકશાયરને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
સુકાની કેલથોર્પે સુકાની ઈનિંગ્સ રમતા શાનદાર 70 રન બનાવ્યા. એક બાજુ સનટોલે પણ 84 રનની મહત્વની ઈનિંગ્સ રમતા વાર્વિક શાયરનો સ્કોર 223 રન સુધી પહોંચ્યો હતો.
જવાબમાં હેમ્પશાયરના બેટ્સમેન એક પછી એક આઉટ થતા રહ્યા હતા. હેમ્પશાયરની ત્રણ વિકેટ તો સ્કોરબોર્ડ પર એક પણ રન નોંધાવ્યા વગર જ પડી ગઈ હતી. સુકાની ટેનિસન પણ ફક્ત 4 રન બનાવીને આઉટ થઈ ગયો. હેમ્પશાયર માટે સીપી મીડે સૌથી વધુ અણનમ 6 રન બનાવ્યા હતા. ટીમના આઠ બેટ્સમેનો ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.
વાર્વિકશાયરે હેમ્પશાયરને ફક્ત 8.5 ઓવરમાં જ તંબૂ ભેગી કરી દીધી હતી. ઝડપી બોલર હોવેલ અને સુકાની કેલથોર્પની જોડીએ વિરોધી ટીમોને ફક્ત 15 રનમાં જ સમેટી લીધી હતી.
223ના જવાબમાં ફક્ત 15 રન પર ઓલ-આઉટ થઈ જનારી હેમ્પશાયરને ફોલોઓન રમવાની ફરજ પડી હતી. પરંતુ જેવી રીતે કોઈ ફિલ્મમાં બને છે તેમ હીરો અચાનક જ મોતના મોઢામાંથી હીરોઈનને બચાવી લે છે. તેવું જ કંઈક હેમ્પશાયરની બીજી ઈનિંગ્સમાં બન્યું હતું.
જી બ્રાઉન અને વિકેટ કીપર બેટ્સમેન ડબ્લ્યૂએચ લિવસેએની શાનદાર સદીઓની મદદથી હેમ્પશાયરે બીજી ઈનિંગ્સમાં 521 રનનો જંગી જૂમલો નોંધાવ્યો. ઓપનર બેટ્સમેન બોવેલ અને સુકાની ટેનિસને પણ 45-45 રનની ઉપયોગી ઈનિંગ્સ રમી હતી.
હેમ્પશાયરના બેટ્સમેનોએ વાર્વિકશાયરના બોલરોની મન મૂકીને ધોલાઈ કરી હતી. પ્રથમ ઈનિંગ્સમાં જ્યાં બે બોલરોએ હેમ્પશાયરને સમેટી દીધી હતી ત્યા બીજી ઈનિંગ્સમાં સુકાની કેલથોર્પને સાત બોલરોનો ઉપયોગ કરવો પડ્યો હતો.
વાર્વિકશાયરને બીજી ઈનિંગ્સમાં 314 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેને હાંસલ કરવાના પ્રયાસમાં પૂરી ટીમ ફક્ત 158 રન પર જ તંબૂ ભેગી થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગ્સમાં ફક્ત 15 રન બનાવીને ઓલ-આઉટ થયેલી હેમ્પશાયર ટીમે વાર્વિકશાયરને 155 રને પરાજય આપ્યો હતો.
ફર્સ્ટક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આ 9મો સૌથી નાનો સ્કોર હતો. આ સિવાય પણ અન્ય ત્રણ ટીમો 15 રનના સ્કોર પર સમેટાઈ ગઈ છે. ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં સૌથી નાના સ્કોરનો રેકો4ડ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના નામે છે. જે એમસીસી વિરૂદ્ધ 1877માં ફક્ત 12 રનના સ્કોરે ઓલ-આઉટ થઈ ગઈ હતી.
No comments:
Post a Comment