શ્રીલંકાના લિજેન્ડરી ઓલ-રાઉન્ડર સનથ જયસૂર્યાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડેમાં રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. જો કે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી ઘણા સમય પહેલા જ સંન્યાસ લઈ લીધો હતો.
પરંતુ જ્યારે હવે તેણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે ત્યારે તેની ટેસ્ટની એક યાદગાર ઈનિંગ્સને વાગોળીએ. જયસૂર્યાની ભારત સામે રમાયેલી તે મેરાથોન ઈનિંગ્સે રેકોર્ડની વણજાર લગાવી દીધી હતી.
2થી 6 ઓગસ્ટ દરમિયાન રમાયેલી આ ટેસ્ટમાં ઘણા રેકોર્ડ્સ બન્યા હતા. આ ટેસ્ટ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર.પ્રેમાદાસા ખાતે રમાઈ હતી.
જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે તેની પ્રથમ ઈનિંગ્સમાં ઓપનર નવજોત સિંહ સિદ્ધુ (111 રન), સુકાની સચિન તેંડુલકર (143) અને મોહમ્મદ અઝહરૂદ્દીન (126)ની શાનદાર સદીઓની મદદથી 8 વિકેટના નુકશાને 537 રનનો જંગી જૂમલો ખડક્યો હતો.
જેના જવાબમાં શ્રીલંકાએ ઓપનર સનથ જયસૂર્યા અને રોશન મહાનામાની રેકોર્ડ બ્રેકિંગ ભાગીદારી તથા અરવિંદા ડિસિલ્વાની સદીની મદદથી રેકોર્ડ બ્રેક 952 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જો કે આ મેચનું સૌથી મોટું આક્રર્ષણ જયસૂર્યાની બેટિંગ ઉપરાંત મહાનામા સાથેની તેની ભાગીદારી રહ્યા હતા.
જયસૂર્યાએ 799 મિનિટની મેરાથોની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે 578 બોલનો સામનો કરતા 340 રન બનાવ્યા હતા. જેમાં તેણે 36 ચોગ્ગા અને 2 ગગનચૂંબી છગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ કારકિર્દીમાં જયસૂર્યાનો આ અંગત સૌથી મોટો સ્કોર બની રહ્યો. જ્યારે રોશન મહાનામાએ પણ જયસૂર્યાનો ભરપૂર સાથ આપતા 753 મિનિટની તેની ઈનિંગ્સમાં 561 બોલમાં 27 ચોગ્ગાની મદદથી 225 રન બનાવ્યા હતા.
જો કે હાઈસ્કોરિંગ મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી. પરંતુ જયસૂર્યાની તે ઈનિંગ્સના કારણે આ મેચ ક્રિકેટ ચાહકો માટે એક યાદગાર મેચ બની રહી છે.
આ ટેસ્ટમાં નોંધાયેલા રેકોર્ડ
- ટેસ્ટ ઈતિહાસમાં એક ઈનિંગ્સમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે થયો હતો. શ્રીલંકાએ 6 વિકેટના નુકશાને 952 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ હજી પણ શ્રીલંકાના નામે જ છે.
- જયસૂર્યા અને મહાનામા વચ્ચે 576 રનની જંગી ભાગીદારી નોંધાઈ હતી. જે ટેસ્ટની સૌથી મોટી ભાગીદારી હતી.
- જો કે બાદમાં 2006માં શ્રીલંકાની જ કુમાર સંગાકારા અને મહેલા જયવર્દેનેની જોડીએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં 624 રનની ભાગીદારી નોંધાવી આ રેકોર્ડ તોડ્યો હતો.
- સનથ જયસૂર્યાએ તેની ટેસ્ટ કારકિર્દીનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. જયસૂર્યાએ 340 રન બનાવ્યા હતા.
- તે સમયે શ્રીલંકા તરફથી ટેસ્ટમાં એક જ દાવમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ જયસૂર્યાના નામે હતો. પરંતુ બાદમાં મહેલા જયવર્દેનેએ 2006માં દક્ષિણ આફ્રિકા સામે 374 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
No comments:
Post a Comment