Monday, 20 October 2014

ઓ’બ્રાયનનો વધુ એક ધમાકો, રચાયો ઈતિહાસ


આયરિશ બેટ્સમેન કેવિન ઓ’બ્રાયન પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે અને તેની મદદથી તેણે ક્રિકેટમાં ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ઓ’બ્રાયને કાઉન્ટી ક્રિકેટમાં પણ પોતાની તોફાની બેટિંગનો પરચો આપ્યો છે.
ઓ’બ્રાયને ગ્લુસેસ્ટરશાયર તરફથી રમતા તોફાની સદી ફટકારી સાથે જ એક્સબ્રિજ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર આ મેચમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો.
ઓ’બ્રાયને કિવિ બેટ્સમેન હામિશ માર્શલ સાથે મળીને તે કરી દેખાડ્યું જે આજ સુધી અન્ય કોઈ બેટિંગ જોડી નથી કરી શકી. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત એક ઈનિંગ્સમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી છે. ઓ’બ્રાયને 119 રન બનાવ્યા તો બીજી બાજુ માર્શલે પણ આક્રમક બેટિંગ કરતા 102 રન બનાવ્યા. બન્ને બેટ્સમેનો વચ્ચે 192 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાઈ હતી.
કંઈક આવું હતું ઓ’બ્રાયનનું તોફાન
મિડલસેક્સ વિરૂદ્ધ ટી20 મેચમાં ઓ’બ્રાયને વિરોધી બોલરોની મન મૂકીને ધોલાઈ કરી હતી. ઓ’બ્રાયને ફક્ત 52 બોલમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા. બીજા બાજુ માર્શલે પણ તેનો ભરપૂર સાથ આપ્યો હતો. આ બન્ને બેટ્સમેનોની સદીની મદદથી ગ્લુસેસ્ટરશાયરે 254 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મિડલસેક્સે 8 વિકેટ ગુમાવીને ફક્ત 149 રન જ બનાવી શકી હતી.
આ પહેલા નથી થયો આવો કરિશ્મા
ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલા કોઈ પણ ટીમના બે બેટ્સમેનોએ એક જ ઈનિંગ્સમાં સદી ફટકારી નથી. આ પ્રથમ વખત છે કે જ્યારે એક જ ઈનિંગ્સમાં બે સદી લાગી હોય. 26 જૂન 2011નો દિવસ કેવિન ઓ’બ્રાયન અને હામિશ માર્શલે મળીને ઈતિહાસમાં નોંધાવી દીધો.
આ હતો વર્લ્ડકપમાં ઓ’બ્રાયનનો ધમાકો
આયર્લેન્ડના ઓ’બ્રાયને ઈંગ્લેન્ડ વિરૂદ્ધની મેચમાં વર્લ્ડકપની સૌથી ઝડપી સદી ફટકારી હતી. ઓ’બ્રાયને ઈંગ્લેન્ડના બોલરોની ધોલાઈ કરતા 50 બોલમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી વર્લ્ડકપની સૌથી ઝડપી સદી ફટકારી હતી. વર્લ્ડકપની સૌથી ઝડપી સદી હતી જ્યારે ઓવર ઓલ આ છઠ્ઠી ઝડપી સદી હતી.
ઓ’બ્રાયને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડનના 2007ના વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 66 બોલમાં ફટકારેલી સદીના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ઓ’બ્રાયનની તોફાની સદીની મદદથી આયર્લેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડકપ 2011નો મોટો અપસેટ સર્જ્યો હતો.
સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પાકિસ્તાનના ઓલ-રાઉન્ડર શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ 37 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચરે 44 બોલમાં, વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાએ 45 બોલમાં, આફ્રિદીએ 45 બોલમાં અને શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 48 બોલમાં સદી ફટકારી છે.

No comments:

Post a Comment